નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીની હાજરીમાં હોદ્દો સંભાળ્યો

January 20, 2026

ભારતીય જનતા પાર્ટીમાં આજે 'નબીન' યુગનો વિધિવત પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતા.

આજે સવારે 11:30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર પહોંચ્યા હતા. તેમણે નવા અધ્યક્ષ નીતિન નબીનને શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહમાં પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડા, નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રીઓ એસ. જયશંકર તથા હરદીપ સિંહ પુરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

પદભાર ગ્રહણ કરતા પહેલા, નીતિન નબીને મંગળવારે સવારે દિલ્હીના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી હતી. તેમણે સૌપ્રથમ ઝંડેવાલન મંદિર, ત્યારબાદ વાલ્મીકિ મંદિર અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. અંતમાં તેમણે ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં માથું ટેકવીને આશીર્વાદ લીધા હતા.

નીતિન નબીનના ગૃહ રાજ્ય બિહાર અને તેમના વિધાનસભા ક્ષેત્ર બાંકીપુરમાં જશ્નનો માહોલ છે. 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા નબીનના અધ્યક્ષ બનવાથી સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહારના ભાજપ નેતા ડૉ. ગુરુ પ્રકાશ પાસવાને આ ક્ષણને 'ઐતિહાસિક અને ગૌરવશાળી' ગણાવી હતી.

આ નેતૃત્વ પરિવર્તન દ્વારા ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટીમાં સામાન્ય કાર્યકર પણ સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે. દિલ્હીના ભાજપ નેતા રમેશ બિધુડીએ આ પ્રસંગે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, "જ્યાં એક તરફ વિપક્ષી નેતાઓ માત્ર Gen-Zની વાતો કરે છે, ત્યાં ભાજપમાં 45 વર્ષના એક કાર્યકર રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યા છે. આ જ સાચો લોકતંત્ર છે."