એક્ઝિટ પોલ: મુંબઈમાં ભાજપને સ્પષ્ટ બહુમતીનું અનુમાન, ઠાકરે બંધુઓને એક થવાનો ફાયદો નહીં!

January 16, 2026

દેશની સૌથી ધનિક બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન ગુરુવારે(15 જાન્યુઆરી) સાંજે 5:30 વાગ્યે પૂર્ણ થયું હતું. જેના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. શુક્રવારે સવારે વોટિંગ શરૂ થશે અને સાંજ સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. તે પહેલાં મતદાન પછી જાહેર કરાયેલા એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે BMCમાં ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે) ગઠબંધન સરકાર બનતી દેખાઈ રહી છે. જો ચૂંટણી પરિણામોમાં આજ રહેશે અને ઠાકરેની શિવસેના BMCમાંથી બહાર થઈ જાય, તો તે એક મોટો ફેરફાર હશે. હકીકતમાં ઠાકરેની શિવસેના છેલ્લા ત્રણ દાયકાથી BMC પર શાસન કરી રહી છે.

એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, મુંબઈ BMC ચૂંટણીમાં ભાજપ ગઠબંધન સરકાર બનાવે તેવી શક્યતા છે. ભાજપ ગઠબંધનને 131-151 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ઠાકરે ભાઈઓની શિવસેના અને MNSને 58-68 બેઠકો મળવાની શક્યતા છે. 

જ્યારે કોંગ્રેસ ગઠબંધન 12-16 બેઠકો જીતી શકે છે અને અન્ય 6-12 બેઠકો જીતી શકે છે. BMC માં કુલ 227 બેઠકો છે, અને બહુમતીનો આંકડો 114 છે. એક્ઝિટ પોલ મુજબ, જાતિવાર મત હિસ્સાના અંદાજ દર્શાવે છે કે મરાઠી ગઠબંધનને 30%, જ્યારે UBT ગઠબંધનને 49%, કોંગ્રેસ ગઠબંધનને 8% અને અન્યને 13% મત મળી શકે છે.

ભાજપ ગઠબંધનને ઉત્તર ભારતીય મતોના 68 ટકા મત મળવાની શક્યતા છે. UBT ગઠબંધનને 19 ટકા, કોંગ્રેસ ગઠબંધનને 2 ટકા અને અન્યને 11 ટકા મત મળી શકે છે. આ ઉપરાંત, ભાજપને દક્ષિણ ભારતીય મતોના 61 ટકા, UBTને 21 ટકા, કોંગ્રેસ ગઠબંધનને 8 ટકા અને અન્યને 10 ટકા મત મળી શકે છે. જો આપણે મુસ્લિમ મતોની વાત કરીએ તો, ભાજપ ગઠબંધનને 12 ટકા, UBT ગઠબંધનને 28 ટકા અને કોંગ્રેસ ગઠબંધનને 41 ટકા મત મળી શકે છે. અન્યને 19 ટકા મુસ્લિમ મત મળવાની શક્યતા છે.

એક્ઝિટ પોલ મુજબ, ભાજપ ગઠબંધનને સૌથી વધુ 42 ટકા મત મળવાની ધારણા છે. UBT ગઠબંધનને 32 ટકા, કોંગ્રેસ ગઠબંધનને 13 ટકા અને અન્યને 13 ટકા મત મળવાની ધારણા છે. આ ઉપરાંત, અન્ય એક્ઝિટ પોલ ડીવી રિસર્ચમાં પણ ભાજપ ગઠબંધન સરકાર બનવાનું અનુમાન છે. ભાજપ ગઠબંધનને 107-122 બેઠકો મળી શકે છે, જ્યારે ઠાકરે બંધુઓને 68-83 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસ ગઠબંધનને 18-25 બેઠકો અને અન્યને 8-15 બેઠકો મળવાની ધારણા છે.