નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો, 'ચુંટણીમાં મે કહ્યું ભરતને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે

March 12, 2024

કડી- લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે બળાપો કાઢ્યો છે. સામાન્ય રીતે નીતિન પટેલે જાહેર મંચ પરથી એકદમ બિદાસ્ત થઈને વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા અનેકવાર આપણે જોયા છે, ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે મેં કહ્યુ ચૂંટણીમાં ભરતને મદદ કરો, તો કહે ભરત ન ચાલે. તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો. ત્યારે નીતિન પટેલે પોતાના અંદાજમાં બળાપો કાઢીને જમાવ્યું કે કોણ ચાલે, કોણ ન ચાલે એ મારાથી વધુ કોઈ ન જાણે. કોઈ ચમચાગીરી નહીં કરવાની અને તટસ્થતાથી ચાલવામાં માનું છું. કડી પાલિકાના કાર્યક્રમમાં જાણે ભાજપનો જૂથવાદ સામે આવ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.

કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે પોતાના વિરોધીઓ સામે બળાપો ઠાલવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું હતું કે, ચુંટણીમાં મેં કહ્યું ભરતને મદદ કરો, ત્યારે મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાંઈ તમને ખબર નથી. તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો? નીતિન પટેલે વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે, કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહિ કરવાની પણ તટસ્થતાથી કામ કરવાનું છે. પ્રજા મારી જોડે છે, મારે કાઈ લેવાનું નથી કે ચુંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી જે મેં જાહેર કરી દીધું છે.