ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં, 275 લોકોએ ગુમાવ્યા જીવ

June 04, 2023

દિલ્હીઃ બાલાસોરમાં શુક્રવારે થયેલા ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ફરી એકવાર અપડેટ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે (4 જૂન) ના રોજ માહિતી આપી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 288 નહીં, પરંતુ 275 છે.
રાજ્યના મુખ્ય સચિવે કહ્યુ કે, મૃતકોના આંકડાની ડીએમ તરફથી તપાસ કરવામાં આવી હતી અને તે જાણવા મળ્યું કે કેટલાક મૃતદહોને બે વાર ગણી લેવામાં આવ્યા હતા. તેથી જીવ ગુમાવનારાની સંખ્યામાં સંશોધન કરી આંકડાને 275 કરી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવે કહ્યુ કે 275માંથી 88 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. 
મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી શબઘરમાં રાખવામાં આવેલા તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પણ કરી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 1,175 લોકોમાંથી 793 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાએ દુર્ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસને બહાનાગા સ્ટેશનથી નિકળવા માટે ગ્રીન સિગ્નલ મળ્યું હતું. આ ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે અને દુર્ઘટના દરમિયાન તે 128ની સ્પીડથી ચાલી રહી હતી, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ ઓવરસ્પીડિંગનો મામલો નથી. શરૂઆતી તપાસમાં  જાણવા મળ્યું કે સિગ્નલિંગમાં પરેશાની હતી. ગ્રીન સિગ્નલ હોવાને કારણે તે પોતાની ગતિથી દોડી રહી હતી અને લૂપ લાઇનમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. ગતિ એટલી વધુ હતી કે ટ્રેનનું એન્જિન માલગાડીના ડબ્બા પર ચઢી ગયું છે.


જયા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી કારણ કે માલસામાન ટ્રેન લોખંડનું વહન કરતી હતી. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું.