ગુજરાતી ભાષા ફરજીયાત નહીં ભણાવતી શાળાઓ મુદ્દે હાઈકોર્ટની કેન્દ્રને નોટિસ

January 20, 2023

અમદાવાદ: રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો મામલો હવે તૂણ પકડતો જઈ રહ્યો છે. જાહેરહિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે?

હાઈકોર્ટના સવાલ પર સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે. ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરાશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. 

મહત્વનું છે કે, આગામી 3 ફેબ્રુઆરીએ આ મુદ્દે ફરી સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લે. 

અગાઉ સુરતની ત્રણ સ્કૂલમાં ગુજરાતી ભણાવવામાં ન આવતું હોવાનું સામે આવતા જીલ્લા શિક્ષણાધિકારીએ ત્રણેય સ્કૂલોને નોટિસ ફટકારી હતી અને ખુલાસો માંગ્યો હતો. ત્યારે મહત્વનું છે કે શિક્ષણ વિભાગે તમામ શાળામાં ગુજરાતી ફરજિયાત કરવાનો આદેશ આપ્યો હતો.