અતિક-અશરફની હત્યાના કેસમાં અમારી પોલીસની કોઇ ભૂલ નથી

October 03, 2023

ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ગેંગસ્ટર અને પૂર્વ લોકસભાના સભ્ય અતિક અહમદ અને તેના ભાઇ અશરફની 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં થયેલી હત્યાના કેસમાં ચાલી રહેલી તપાસ મુજબ તે હત્યાકેસમાં પોલીસની કોઇ ભૂલ મળી આવી નથી.

સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ઉત્તરપ્રદેશ સરકારે જણાવ્યું છે કે અતિક હત્યા કેસ તેમ જ વર્ષ 2017 પછી પોલીસ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર વિકાસ દૂબે સહિતના લોકો માર્યા ગયા હોવાના કેસોમાં ન્યાયી અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે.

અહમદ (60) અને અશરફને 15 એપ્રિલના રોજ મેડિકલ કોલેજમાં તપાસ અર્થે પોલીસ એસ્કોર્ટ કરીને લઇ જઇ રહી હતી ત્યારે પત્રકારના સ્વાંગમાં આવેલી ત્રણ વ્યક્તિએ પોઇન્ટ બ્લેન્ક ગોળીબાર કરીને બંનેની હત્યા કરી હતી. આ કેસ સંબંધી સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્ય કેટલાક મુદ્દે પુરાવા એકત્ર કરવા તપાસ ચાલી રહી છે.