થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન?

December 22, 2025

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે જગજાહેર વાત છે, પરંતુ હવે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે જે નવો ટ્રેન્ડ સામે આવ્યો છે તેણે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી દીધા છે. નવા વર્ષની ઉજવણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્ર માત્ર દારૂનો જથ્થો પકડ્યાના આંકડા અને તેનો નાશ કર્યાના વીડિયો બતાવવામાં વ્યસ્ત છે. બીજી બાજુ મેગા સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં 'એમડી ડ્રગ્સ અને રૂપલલનાઓ'નું એક અત્યંત ખતરનાક અને હાઈ-પ્રોફાઈલ રેકેટ ફૂલીફાલી રહ્યું છે. એવું કહેવાય છે કે, શરીર સુખ અને નશાનો આ ખેલ પોલીસ તંત્રના નાક નીચે ચાલી રહ્યો છે, જેથી શંકાની સોય સીધી વહીવટી તંત્રની દાનત પર તંકાઈ રહી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના એસ.જી. હાઈવે, સિંધુ ભવન અને અન્ય પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં અથવા ખાનગી એજન્ટો દ્વારા એક ભયાનક પેકેજ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને માત્ર શરીર સુખ જ નહીં, પરંતુ તેની સાથે 'એમડી ડ્રગ્સ'નો નશો પણ પીરસવામાં આવે છે. આ ગોરખધંધાનો ભાવ રૂ. 10,000થી લઈને 2,00,000 સુધીનો બોલાય છે. એક તરફ રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ડ્રગ્સ પેડલરો અને દેહવ્યાપારના દલાલો બેખૌફ બનીને વોટ્સએપ સ્ટેટસ પર જાહેરાતો કરી રહ્યા છે. શું આ છે ‘ડિજિટલ ગુજરાત’નું નવું મોડેલ? શું સાયબર ક્રાઈમ અને પોલીસનું ઇન્ટેલિજન્સ યુનિટ એટલું પાંગળું છે કે વોટ્સએપ પર ખુલ્લેઆમ મોકલાતા આ મેસેજ કરનારાને પકડી ના શકે? કે પછી 'હપ્તા'ના જોરે બધું 'ઓલ ઇઝ વેલ' છે?
ગુજરાત સરકાર અને ગૃહ મંત્રાલય વારંવાર રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવાના દાવા કરે છે અને કરોડોનું ડ્રગ્સ પકડ્યાની વાહવાહી લૂંટે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છૂટક વેચાણ અને આ પ્રકારના 'કોમ્બો પેકેજ'ની ડિલિવરીઓ અટકાવવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. જો દલાલો બિન્દાસ રીતે ડ્રગ્સ અને યુવતીઓ (જેમાં નોર્થ ઈસ્ટ અને થાઈલેન્ડની યુવતીઓનો પણ સમાવેશ થાય છે) સપ્લાય કરી શકતા હોય, તો તેનો સીધો અર્થ એ છે કે ડ્રગ્સ માફિયાને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. શું પોલીસને આટલા મોટા રેકેટની ગંધ પણ નહીં આવતી હોય? આ વાત ગળે ઉતરે તેવી નથી. આ સ્થિતિ સૂચવે છે કે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક મોટો સડો પેંસી ગયો છે.આ રેકેટમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ પ્રકારના પેકેજ ઓફર કરવાની મોડસ ઓપરેન્ડી હાઈ-ટેક હોવાની સાથે બેખૌફ પણ છે. આ રેકેટ ચલાવનારા દલાલો વોટ્સએપ સ્ટેટસ મૂકીને તેમની પસંદગીના ગ્રાહકોને મેસેજ પહોંચાડી દે છે. ત્યાર પછી ગ્રાહક સંપર્ક કરે અને એક દિવસ કે રાત માટે એમડી ડ્રગ્સ અને યુવતી મોકલાય છે. સવાલ એ છે કે, સામાન્ય નાગરિકો થર્ટી ફર્સ્ટના ચેકિંગના કારણે ડરતા હોય, ત્યારે આ તત્ત્વો આટલી સરળતાથી ડ્રગ્સ અને દેહનો વેપાર કેવી રીતે કરી શકે? શું પોલીસ પેટ્રોલિંગ માત્ર સામાન્ય સામાન્ય લોકોને હેરાન કરવા માટે જ છે? જાણકારોનું માનવું છે કે, સ્થાનિક પોલીસની રહેમનજર કે સીધી સંડોવણી વગર આટલા મોટા પાયે આવું નેટવર્ક ચલાવવું અશક્ય છે.