યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી, IMF સામે હાથ ફેલાવ્યા

May 02, 2025

દિલ્હી- યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી છે, જેના કારણે તે લોન માટે તુરંત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે પહોંચી ગયું છે. આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક કડક પ્રતિબંધો લાદી તેને મુશ્કેલીમાં તો મુકી જ દીધું છે. આ સાથે ભારતે તેને લોનનો ફટકો આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


વાસ્તવમાં 9 મેના રોજ આઈએમએફના કાર્યકારી બોર્ડની બેઠક યોજાવાની છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તનને અટકાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા થવાની સાથે પાકિસ્તાનને 1.3 અબજ ડૉલરની લોન આપવાના કરાર અંગે સમીક્ષા થવાની છે. જો પાકિસ્તાન આઈએમએફને મનાવી લેશે તો 7 બિલિયન ડૉલરના બેલઆઉટ પેકેજ પર મહોર વાગી શકે છે, પરંતુ પાકિસ્તાન માટે વધુ એક મુશ્કેલી ભારતે ઉભી છે. ભારતે આઈએમએફને ખાસ અપીલ કરીને પાકિસ્તાન માટેની લોનની સમીક્ષા કરવા કહ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સના એક સૂત્રને ટાંકીને કહેવાયું છે કે, ભારતે આઈએમએફને પાકિસ્તાનને આપેલી લોનની સમીક્ષા કરવા કહ્યું છે. કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેના કારણે ભારત રોષે ભરાયું છે અને પાકિસ્તાન સામે અનેક કાર્યવાહીઓ શરૂ કરી દીધી છું. ભયભીત પાકિસ્તાન યુદ્ધના ડરથી આખા દેશમાં સેનાને એલર્ટ કરી આખી સરહદ પર તહેનાત કરી દીધી છે.


ભારત IMF તરફથી પાકિસ્તાનને મળતી નાણાકીય સહાય રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. 9 મેના રોજ પાકિસ્તાનને IMF તરફથી મળતા ભંડોળ અંગે એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારત પાકિસ્તાનનો વિરોધ કરશે. IMF જુલાઈ 2024માં પાકિસ્તાનને 7 બિલિયન ડોલરની સહાય આપવા માટે સંમત થયું હતું. આ સહાય આપતી વખતે IMF પાકિસ્તાનના પ્રદર્શનની 6 વખત સમીક્ષા કરશે. આગામી હપ્તો લગભગ 1 બિલિયન ડોલરનો હશે, જે સમીક્ષા બેઠકમાં સાચો અહેવાલ મળ્યા પછી આપવામાં આવશે. ભારતનો સીધો આરોપ છે કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે કરી શકે છે.