પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી રેલવેની નોકરી પર પાછા ફર્યાં

June 06, 2023

ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણસિંહ સામે કેટલીક મહિલા પહેલવાનોની જાતીય સતામણીના આક્ષેપો સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનો- બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રેલવેમાં તેમની જોબ પર પાંચ દિવસ અગાઉ 31 મેના રોજ પાછા ફર્યા હોવાનું સામે આવ્યું છે. તેના પગલે તેમણે આંદોલન સમેટી લીધું હોવાની અટકળોએ જોર પકડયું હતું.

જોકે પહેલવાનોએ બૃજભૂષણ વિરુદ્ધના આંદોલનથી પીછેહઠની અટકળોને અફવા ગણાવી ફગાવી દીધી છે. એક સગીર સહિતની મહિલા પહેલવાનોએ ફરિયાદ પાછી ખેંચી હોવાના અહેવાલોને પણ તેમણે ખોટા ગણાવી ફગાવ્યા હતા. જોકે તે બેઠકમાં શું ચર્ચા થઇ હતી તે જાણી શકાયું નથી. સાક્ષી મલિકે એક ન્યૂઝ ચેનલના અહેવાલનો સ્ક્રીનશોટ શૅર કરીને એક ટ્વિટમાં જણાવ્યું કે, આ સમાચાર સાવ ખોટા છે. સત્યાગ્રહની સાથોસાથ રેલવેમાં મારી જવાબદારી પણ નિભાવી રહી છું. ન્યાય માટેની લડાઇમાં અમારામાંથી કોઇએ પીછેહઠ કરી નથી કે કરશે પણ નહીં.