પોરબંદરના ગેંગસ્ટર ભીમા દુલાની ધરપકડ, 70 હથિયારો અને 50 લાખ રોકડ જપ્ત

October 18, 2024

પોરબંદર : આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે બોરિચા ગામે ગુપ્ત રીતે દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે હથિયારો અને રોકડ પણ કબ્જે કરાઈ છે. જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના કેસમાં ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતીમાં જણાવાય રહ્યું છે. દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.50 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે.  જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. જોકે સમગ્ર ઓપરેશન અંગે જિલ્લા પોલીસવડા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે. પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ત્યારબાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ ઉતારવામાં આવ્યા હતા. જ્યાંથી ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી.