પોરબંદર : ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનો વચ્ચે અંદરો-અંદર ફાયરિંગ, 2 જવાનના મોત

November 26, 2022

પોરબંદરમાં આવેલી નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઘટના બની
અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. આ ચૂંટણી દરમિયાન તંત્ર દ્વારા મોટાભાગની બેઠકોને ધ્યાને રાખી કોઈ મોટી ઘટના ન સર્જાય તે માટે સંપૂર્ણ ચૂંટણી બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ફાયરિંગ થવાની ઘટના બનતા ચકચાર મચી છે. આ ઘટનામાં બે જવાનોના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના પોરબંદરમાં આવેલી નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં બની હતી. હાલ બે ઈજાગ્રસ્ત જવાનોને ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


પોરબંદરમાં આઈઆરબી જવાનોને ચૂંટણી બંદોબસ્તનું કામ સોંપાયું હતું. જોકે આ જવાનો વચ્ચે કોઈક બાબતે અંદરો અંદર ફાયરિંગ કરવાયું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે જવાનોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ જવાનો અહીં આવેલા નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં હતા ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા ફાયરિંગની ઘટના બની હતી.


આ ઘટનામાં બે જવાનોના મોત થાયાના અહેવાલ છે, તો એક જવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય 2 ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.