રેલવેએ ટ્રેનના ડ્રાઈવરને આપી ક્લીનચીટ, અશ્વિની વૈષ્ણવે CBI તપાસની કરી ભલામણ

June 04, 2023

અકસ્માત પાછળ સંભવિત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડ થવાનો ઈશારો


રેલ્વેએ આજે સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ સંભવિત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડ થવાનો ઈશારો કર્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.


રેલ્વે મંત્રીએ કહ્યું કે, દુર્ઘટનાનું મૂળ કારણ અને તેના માટે જવાબદાર ગુનેગારોની ઓળખ કરી લેવામાં આવી છે. બાલાસોર જિલ્લામાં દુર્ઘટના સ્થળ પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે થયું હશે. તેને ફેલ સેફ સિસ્ટમ કહેવામાં આવે છે, તેથી તેનો અર્થ એ થયો કે જો તે ફેલ થશે તો પણ તમામ સિગ્નલ લાલ થઈ જશે અને તમામ ટ્રેનો દોડતી બંધ થઈ જશે. મંત્રીએ કહ્યું કે સિગ્નલિંગ સિસ્ટમમાં સમસ્યા છે. એવું બની શકે છે કે, કોઈએ કેબલ જોયા વિના કંઈક ખોદકામ કર્યું હોય શકે.


અધિકારીઓએ આજે કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને ક્લીનચીટ આપતા કહ્યું કે, તેને આગળ વધવા માટે લીલી ઝંડી મળી ગઈ હતી અને તે ઓવર સ્પીડમાં ન હતો.