પંજાબ નેશનલ બેન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બેન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી

December 27, 2025

દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB)માં ₹2434 કરોડના મોટા લોન ફ્રોડનો ખુલાસો થયો છે. બેંકે શુક્રવારે, 26 ડિસેમ્બરના રોજ આ અંગે સ્ટોક એક્સચેન્જોને જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી અંગે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને પણ જાણ કરવામાં આવી છે. આ મામલો બે કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી ન કરવા સાથે સંબંધિત છે. લોન ફ્રોડનો આ મામલો બે સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલો છે, જેમાં શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ (SEFL) અને શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ (SIFL) નો સમાવેશ થાય છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સે ₹1,241 કરોડની છેતરપિંડી કરી છે, જ્યારે શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સે ₹1,193 કરોડનો ફ્રોડ કર્યો છે. પંજાબ નેશનલ બેંકે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે આ બંને લોનની બાકી રકમ માટે સંપૂર્ણ પ્રોવિઝનિંગ કરી દીધું છે. બેંકે વધુમાં જણાવ્યું કે, NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) હેઠળ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ દ્વારા SEFL અને SIFLનું સમાધાન પણ કરી દેવામાં આવ્યું છે. બેંક દ્વારા આ ખુલાસો સેબી (SEBI)ના નિયમન 30 હેઠળ કરવામાં આવ્યો છે. આ સમાચારની અસર બેંકના શેર પર પણ જોવા મળી હતી. શુક્રવારે, 26 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંકનો શેર 0.56 ટકાના ઘટાડા સાથે ₹120.25 પર બંધ થયો હતો.