બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી

November 19, 2025

નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. હવે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે. જ્યારે બીજી બાજુ ભાજપની પટણામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે. હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાની મળીને રાજીનામું સોંપશે અને વિધાનસભાનો ભંગ કરાશે. હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે 20 નવેમ્બરે બિહારના ગાંધી મેદાનમાં શપથ લેશે. આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજય સિંહાની નાયબ નેતા તરીકે પસંદગી કરાઈ છે. હવે બિહારમાં ફરી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હશે.  હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને  મળીને રાજીનામું સોંપશે અને વિધાનસભાનો ભંગ કરાશે. હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે શપથ લેશે. આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બિહારમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે.  આ સાથે જ નીતિશ કુમાર બિહારના સૌથી લાંબો સમય સુધી રહેનારા મુખ્યમંત્રી બની જશે. આ વખતે 10મી વખત તેમનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની 243 બેઠક પરની ચૂંટણીમાં જેડીયુએ 85 બેઠક પર જીત હાંસલ કરી હતી. એનડીએની કુલ 202 બેઠક પર જીત થઈ છે, જે બહુમતી માટે પૂરતી છે.