'સનાતન ધર્મને ખતમ કરવો પડશે': તમિલનાડુ CMના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની ફરી જીભ લપસી

September 20, 2023

ચેન્નઈ: તમિલનાડુ CMના પુત્ર અને ખેલ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત સનાતન ધર્મ પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે સનાતન ધર્મનેખતમ કરવો પડશે. સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના નિવેદન પર પલટવાર કરી રહ્યા હતા. રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, દુર્ભાગ્યથી આપણા સમાજમાં કેટલાક ભેદભાવ છે. એક મોટા વર્ગના ભાઈઓ અને બહેનોને સમાનતાથી જોવામાં નથી આવી રહ્યા. આવું કરવા માટે હિન્દુ ધર્મમાં ક્યાંય કહેવામાં નથી આવ્યું. આ એક સામાજિક દુષ્ટતા છે અને તેને ચોક્કસપણે ખતમ કરવી જોઈએ.  આ નિવેદન પર પલટવાર કરતા સ્ટાલિને કહ્યું કે, જાતિગત ભેદભાવને સમાપ્ત કરવા માટે જ સનાતન ધર્મને સમાપ્ત કરવો જોઈએ. તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે, જો સનાતન નષ્ટ થઈ જશે તો અસ્પૃશ્યતા પણ નાબૂદ થઈ જશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઓલ ઈન્ડિયા ફેડરેશન ફોર સોશિયલ જસ્ટિસની કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે અમે બધા સામાજિક ન્યાય જાળવી રાખવા માટે સતત લડી રહ્યા છીએ પરંતુ ભાજપ તેમાં ઘણી અડચણો ઉભી કરી રહી છે. ભાજપ નથી ઈચ્છતી કે, ગરીબ અને પછાત વર્ગના લોકોની સ્થિતિ સુધરે. તેમણે કહ્યું કે જ્યારે DMKએ સરકાર બનાવી ત્યારે અમે સામાજિક ન્યાય નિરિક્ષણ સમિતિની રચના કરી હતી જે દેખરેખ રાખશે કે સામાજિક ન્યાય યોગ્ય રીતે જળવાઈ રહ્યો છે કે નહીં. તેમણે કહ્યું કે, એ જ રીતે તમામ રાજ્યોએ સામાજિક ન્યાય નિરિક્ષણ સમિતિની રચના કરવી જોઈએ.