મણિપુરમાં સુરક્ષા દળોની કાર્યવાહી, સામ-સામે ફાયરિંગ, 30 આતંકી ઠાર

May 28, 2023

મણિપુરમાં 24માં દિવસે પણ હિંસાની સ્થિતિ યથાવત્, ઘણા વિસ્તારોમાં પોલીસના જવાનો-હથિયારધારી લોકો વચ્ચે ગોળીબાર


અત્યાર સુધીમાં 30 આતંકી ઠાર કરાયા હોવાનો CMનો દાવો, સામાન્ય લોકોને મારવા આતંકીઓ બંદુકનો કરી રહ્યા છે ઉપયોગ


ઈમ્ફાલ- મણિપુરમાં મેઈતેઈ સમુદાયને STનો દરજ્જો અપાયા બાદ દેખાવ સાથે શરૂ થયેલી હિંસાનો દોર 24માં દિવસે પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. આ હિંસાથી રાજ્ય અશાંતિભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં થયેલા મૃત્યુઆંકે પણ સૌને ચોંકાવી દીધા છે, ત્યારે અહીં સુરક્ષા દળોએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મણિપુરના ઘણા વિસ્તારોમાં પોલીસના જવાનો અને હથિયારધારી લોકો વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. છેલ્લા 8 કલાકમાં બંને તરફથી જોરદાર ફાયરિંગ થઈ રહ્યું છે. આ ફાયરિંગ વચ્ચે મુખ્યમંત્રી એન.બીરેન સિંહે જણાવ્યું કે, તેમને રિપોર્ટ અપાયો છે કે, અત્યાર સુધીમાં 30 આતંકવાદીઓ ઠાર કર્યા છે.

આ આતંકવાદીઓ સામાન્ય નાગરિકો સામે એમ-16 અને એકે-47 અસોલ્ટ રાઈફલો તેમજ સ્નાઈપર બંદુકનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ઘણા ગામોમાં ઘરોને આગ ચાંપવા આવ્યા હતા. અમે સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમના વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રી બિરેન સિંહે દાવો કર્યો છે કે, આતંકવાદીઓ સામાન્ય નાગરિકો પર ગોળીબાર કરી રહ્યા છે. આ લડાઈ મણિપુરને તોડવાનો પ્રયાસ કરી રહેલા હથિયારધારી આતંકવાદીઓ અને રાજ્ય સરકાર વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્રોહીઓએ ગઈકાલે રાત્રે 2 વાગ્યે ઈમ્ફાલ ઘાટી અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાથે હુમલાઓ કર્યા હતા. આ વિસ્તારોમાં સેકમાઈ, સુગનુ, કુમ્બી, ફાયેંગ અને સૈરોનો સમાવેશ થાય છે. અન્ય ઘણા વિસ્તારોમાં ફાયરિંગ અને રસ્તાઓ પર લાવારીસ લાશો પડી હોવાની માહિતી સામે આવી રહી છે.


સેકમાઈમાં અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. મીડિયા અહેવાલ મુજબ, ઈમ્ફાલમાં પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાન (RIMS)ના ડોક્ટરોનું કહેવું છે કે, ફાયેંગમાં થયેલા એન્કાઉન્ટરમાં 10 લોકો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યારે બિશનપુરના ચંદનપોકપીમાં 27 વર્ષીય ખેડૂત ખુમન્થેમ કેનેડીને અનેક ગોળીઓ વાગતા મૃત્યુ થયું છે. તેમના મૃતદેહને રિમ્સ હોસ્પિટલ લઈ જવાયો છે અને હજુ પણ ઘણા લોકોના મૃત્યુની આશંકા છે.