'વૃદ્ધો-બિમાર ઘરે બેઠા જ રથયાત્રાના દર્શન કરજો...' કોરોનાના કેસ વધતાં આરોગ્ય મંત્રીની અપીલ

June 11, 2025

ગુજરાત ભાજપના પ્રવકત્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે સતત વધતાં કેસ અને રથયાત્રા મામલે લોકોને અપીલ કરતાં કહ્યું કે, ‘હાલના સમયમાં શરદી ખાંસીના લક્ષણો ધરાવનારા, કોમોર્બિડ દર્દી અને વૃદ્ધોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ. ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. બિમાર લોકોએ તો ભીડમાં જવું જોઈએ જ નહીં. જો કે, રાજ્યમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી કહી શકાય નહીં. કોરોના વાઇરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે, કોરોનાના કેસ વધી રહ્યાં છે અને અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ.’ કોરોના વાઇરસ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ‘કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી. ગઈ વખતે કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થયો હતો, ત્યારબાદ તેમાં ઘટાડો થયો. હાલ છેલ્લા 25 દિવસથી કેસ વધ્યા છે, પરંતુ જીવનું જોખમ નથી. લક્ષણ દેખાય તો તરત જ સારવાર ચાલુ કરવી જોઈએ. કોઈને શરદી-ખાંસી, ગળામાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે, તો તેમણે ક્વોરન્ટાઇન થઈને સારવાર કરાવવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.’