ગેહલોત-પાયલોટ વચ્ચે સમાધાન, બંને સાથે લડશે વિધાનસભા ચૂંટણી

May 30, 2023

જયપુર, તા.29 મે-2023, સોમવાર

રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના વિવાદના અહેવાલો સતત સામે આવી રહ્યા હતા. જેને લઈને સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને અશોક ગેહલોત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિન પાયલટે પણ ભાગ લીધો હતો. 4 કલાક સુધી ચાલેલી બેઠક બાદ સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયું છે. રાજસ્થાનના બંને ટોચના નેતાઓ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે.

મલ્લિકાર્જુન ખડગેના ઘરે સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેની બેઠક બાદ જ્યારે પાર્ટીના નેતાઓને પૂછવામાં આવ્યું કે, વિધાનસભા ચૂંટણી કોના નેતૃત્વમાં યોજાશે ? તો વેણુગોપાલે કહ્યું કે, બંને નેતાઓના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. મળતા અહેવાલો મુજબ રાજસ્થાનના બંને ટોચના નેતાઓને મળ્યા બાદ રાહુલ ગાંધી અને ખડગે પાયલોટે મુદ્દે સમાનધાન શોધવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક બાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનમાં સચિનના મુદ્દે ખાસ ચર્ચા કરી છે.