પહેલી ટેસ્ટમાં હારથી ભડક્યો શમી, ટીમ ઈન્ડિયાના બોલર્સને કહ્યું - બુમરાહ પાસેથી તો શીખો

June 28, 2025

લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલર્સ બીજી ઇનિંગમાં 371 રનના ટાર્ગેટનો બચાવ કરી શક્યા ન હતા. પહેલી ઇનિંગમાં 5 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પણ વિકેટ માટે સંઘર્ષ કરતો રહ્યો હતો. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કારમી હાર બાદ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્રતિક્રિયા સામે આવી છે. શમી આ ટેસ્ટમાં ભારતની બોલિંગથી નારાજ દેખાય છે. લીડ્સ ટેસ્ટ મેચમાં, ભારતીય બોલર્સે બંને ઇનિંગ્સમાં 4.5 થી વધુના રન રેટથી રન આપ્યા હતા. ભારતીય બોલર્સમાં, ફક્ત જસપ્રીત બુમરાહ અસરકારક દેખાતો હતો. નારાજગી વ્યક્ત કરતા મોહમ્મદ શમીએ કહ્યું કે, 'બાકીના ભારતીય બોલર્સે જસપ્રીત બુમરાહ પાસેથી શીખવું જોઈએ અને મેદાન પર તેને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ. બુમરાહએ પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, પરંતુ બીજી ઇનિંગમાં ઇંગ્લિશ બોલર્સે આ સ્ટાર બોલર સામે કોઈ જોખમ લીધું ન હતું, જેના કારણે તેઓ કોઈ વિકેટ મેળવી શક્યા ન હતા. મોહમ્મદ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'બોલિંગમાં, બાકીના ભારતીય બોલર્સે બુમરાહ સાથે વાત કરવી જોઈએ અને તેની પાસેથી શીખવું જોઈએ. તેમણે તેની સાથે યોજના બનાવવી જોઈએ અને તેને ટેકો આપવો જોઈએ. જો તેઓ બુમરાહને ટેકો આપો છો, તો આપણે સરળતાથી મેચ જીતી શકીએ છીએ. જો હું પહેલી મેચ વિશે વાત કરું, તો મને લાગે છે કે આપણે બોલિંગમાં થોડી વધુ મહેનત કરવાની જરૂર છે.'