75 રૂપિયાનો ચાંદીનો સિક્કો, બંધારણની કોપી, નવા સંસદ ભવનમાં સાંસદોને મળશે ભેટ

September 19, 2023

દેશની 75 વર્ષની સંસદીય સફરના ઈતિહાસને સાચવનાર જૂની સંસદમાંથી વિદાય લેવામાં આવશે. નવી સંસદમાં સાંસદોનો પ્રવેશ સવારે 11:00 વાગ્યે થશે, PM નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે સંસદ, રાજ્યસભા અને લોકસભાના બંને ગૃહોના સભ્યોને વિશેષ ભેટ આપવામાં આવશે. આ ભેટમાં બંધારણની નકલ, 75 રૂપિયાનો ચાંદીનો સિક્કો અને નવી સંસદની સ્ટેમ્પવાળી પુસ્તિકા સામેલ છે. આ ઉપરાંત, તેમાં સંસદ ભવનની મહોર સહિત અન્ય ઘણી ભેટો પણ હશે.

PM મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચશે. પીએમની સાથે લોકસભા અને રાજ્યસભાના વરિષ્ઠ મંત્રીઓ અને સાંસદો પણ હશે. આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમ થશે જેમાં 2047 સુધીમાં ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. પીએમ સેન્ટ્રલ હોલથી બંધારણની કોપી લઈને નવી બિલ્ડિંગ તરફ ચાલશે. તમામ સાંસદો પીએમ મોદીની સાથે રહેશે. નવી સંસદમાં પ્રવેશ કર્યા પછી, ઔપચારિક પૂજા થવાની છે જેમાં ઓછામાં ઓછો દોઢ કલાકનો સમય લાગી શકે છે. આ પછી, નવા સંસદભવનમાં બપોરે બરાબર 1.30 વાગ્યે કાર્યવાહી શરૂ થશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યાથી શરૂ થશે.

પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. પહેલા દિવસે જૂના સંસદ ભવનમાં કાર્યવાહી થઈ. હવે આજથી (19 સપ્ટેમ્બર)થી નવા બિલ્ડિંગમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવી બિલ્ડીંગમાં આવતીકાલે એટલે કે બુધવાર, 20 સપ્ટેમ્બરથી નિયમિત સંસદીય કાર્ય શરૂ થશે, જે 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે.