દિલ્હીમાં બેસીને ઈરાનનો અમેરિકા-ઈઝરાયલને પડકાર: 'દમન સામે નહીં ઝૂકીએ', ભારતના કર્યા વખાણ

September 12, 2026

ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને શુક્રવારે અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેહરાન કોઈપણ પ્રકારની દાદાગીરી કે જુલમ સામે નહીં ઝૂકે અને પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે મક્કમતાથી ઊભું રહેશે. નવી દિલ્હીમાં ધાર્મિક ગુરુઓ, બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ઈરાન ગલ્ફ પ્રદેશમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ઇચ્છે છે, પરંતુ દેશમાં અશાંતિ ફેલાવવા માંગતી વિદેશી તાકાતોનો કડક સામનો કરશે.

પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલી દળો પર નાગરિકો તથા માળખાકીય સુવિધાઓને ટાર્ગેટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. દક્ષિણ ઈરાનમાં એક શાળા નજીક થયેલા અમેરિકન હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સેનાએ સૈનિકોને નિશાન બનાવવા જોઈએ, નહીં કે હોસ્પિટલો, પાયાની સુવિધાઓ અને લોકોની આજીવિકાને. પુરવઠાની અછત ઊભી કરીને લોકો શરણાગતિ સ્વીકારી લેશે તેવો દાવો કરનારાઓને જવાબ આપતા તેમણે કહ્યું કે ઈરાનની જનતા ક્યારેય શરણ નહીં સ્વીકારે.

બ્રિક્સ (BRICS) સમિટના ભાગરૂપે ત્રણ દિવસની મુલાકાતે શુક્રવારે નવી દિલ્હી પહોંચેલા પેઝેશ્કિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને દ્વિપક્ષીય સંબંધો પર મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. પીએમ મોદી સાથેની આ મુલાકાતને તેમણે વેપાર, ટેક્નોલોજી અને સંસ્કૃતિમાં સહયોગ વધારનારી ગણાવી હતી. બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે વ્યાપારમાં સ્થાનિક ચલણના ઉપયોગ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ઈરાન પ્રાદેશિક ઊર્જા અને ખાદ્ય પુરવઠા માટે એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર બની શકે છે.