કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈકચાલકને ઉડાવ્યો, આધેડનું ઘટનાસ્થળે જ મોત

October 25, 2026

જજ પિતા સામે ગુનો નોંધવા અને મેડિકલ ટેસ્ટ કરાવવા પરિવારની માગ, સીસીટીવી ફૂટેજમાં કેદ થયો અકસ્માતનો ભયાનક મંજર


એર્નાકુલમ- કેરળના એર્નાકુલમમાં હિટ એન્ડ રનની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર છોકરાએ પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર ચલાવીને આગળ જઈ રહેલા બાઈકચાલકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકસવાર હવામાં ફંગોળાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ 55 વર્ષીય જયા બાલકૃષ્ણન તરીકે થઈ છે, જેઓ પોતાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક એક જજનો 17 વર્ષનો સગીર પુત્ર છે. તે પોતાના પિતાને પૂછ્યા વગર જ તેમની મર્સિડીઝ કાર લઈને રસ્તા પર નીકળી પડ્યો હતો. તે વલ્લારપદમથી કાલામાસેરી તરફ જઈ રહ્યો હતો ત્યારે ચેરાનલ્લૂરના કન્ટેનર રોડ પર આવેલા મારાપરમ્બુ નજીક આ દર્દનાક દુર્ઘટના બની હતી.


ઘટનાસ્થળ નજીક આવેલા ફોર્ડ શોરૂમના સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે. ફૂટેજ મુજબ, આ અકસ્માત 24 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 2.20 વાગ્યે થયો હતો. વિડિયોમાં કારની સ્પીડ અને ટક્કરની ગંભીરતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પોલીસે આરોપી સગીર વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા તેમજ સાપરાધ મનુષ્યવધ (બિન-ઈરાદાપૂર્વક હત્યા) જેવી કલમો હેઠળ ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો છે. મૃતક જયા બાલકૃષ્ણનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીના પિતા જજ હોવાથી પોતાના સગીર પુત્રને બચાવવા માટે કેસમાં દખલગીરી કરી રહ્યા છે અને દબાણ લાવી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે સગીર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહોતું, તેથી તેને કાર ચલાવવા દેવા બદલ તેના પિતા સામે પણ કેસ થવો જોઈએ.