મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકોના મોબાઈલ-પર્સ ચોરાયા

May 30, 2023

IPL 16મી સીઝનમાં ગઈકાલે ચેન્નઈનો શાનદાર વિજય થયો હતો. અમદાવાદમાં ધોનીની ટીમ IPLમાં પાંચમી વાર ચેમ્પિયન બની હતી. રિઝર્વ ડે પર રમાયેલા મેચમા વરસાદ થોડીવાર માટે વિલન બન્યો હતો. ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં વરસાદની સાથે તસ્કરોએ પણ હાથ સાફ કર્યો હતો. મેચમાં 50 કરતા પણ વધુ ક્રિકેટ પ્રેમીઓના મોબાઈલ ચોરયા હતા તેમજ પર્સની પણ ચોરી થઈ હતી. આ  ચોરી મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં  પાંચ ફરિયાદ નોંધાઈ હતી.

IPL 2023ની ફાઈનલ ગઈકાલે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ફાઈનલમાં ગુજરાતને હરાવીને ચેન્નઈ ચેમ્પિયન બની હતી. આ સીઝનનો ફાઈનલ મેચ 28મીના રોજ રવિવારના રમાનાર હતી. જો કે રવિવારે વરસાદના પડતા મેચ રદ કરીને રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે એક લાખ કરતા પણ વધારે ક્રિકેટ પ્રેમીઓ આવ્યા હતા. જો કે ગઈકાલે પણ વરસાદે થોડા સમય માટે મેચમાં ખલેલ પાડ્યો હતો. ગઈકાલે મેચમાં વરસાદની સાથે સાથે તસ્કરોએ પણ કેટલાક ક્રિકેટ પ્રેમીઓનો આનંદ ગમમાં બદલી નાખ્યો હતો. તસ્કરો ક્રિકેટ મેચ જોવાના બાને આવ્યા હતા અને મોબાઈલ અને પર્સની ચોરી કરી હતી.