શ્રીકાકુલમના વેંકટેશ્વર સ્વામિ મંદિરમાં નાસભાગ, 9ના મોત

November 01, 2025

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક દુ:ખદ ઘટના બની હતી. કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી હતી. ઓછામાં ઓછા નવ ભક્તોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને ભય છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

આ ઘટના કાર્તિક મહિનામાં એકાદશીના શુભ પ્રસંગે બની હતી, જ્યારે ભક્તોની મોટી ભીડ મંદિરમાં દર્શન કરવા માટે એકઠી થઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર મંદિર સંકુલના પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડ વધી ગઈ હતી, જેના કારણે ગભરાટ અને ભાગદોડ મચી ગઈ હતી. ભીડ દ્વારા ઘણા લોકો પડી ગયા હતા અને કચડાઇ ગયા હતા.

માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.