કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન

December 08, 2023

પાસ દ્વારા મંદિરના દર્શન, બનારસ ગંગા ઘાટની આરતી, સારનાથનો લાઈટ એન્ડ સાઉન્ડ શો, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત કુલ 7 સુવિધાઓ ઉપલબ્ધ થશે

વારાણસી- ઘર્મ અને સંસ્કૃતિની નગરી કાશીમાં ટૂંક સમયમાં જ પાસ સુવિધા મળશે. વારાણસીએ કાશી પાસનું ટ્રાયલ પૂરું કર્યું છે. આ સાથે વિશ્વનાથ ધામના સરળ દર્શન, વિશેષ પૂજા-આરતી તેમજ વર્ચ્યુઅલ મ્યુઝિયમ સહિત વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત માટે અલગ ટિકિટ લેવાની રહેશે નહીં. આ સિવાય સ્માર્ટ સિટીએ કાશીના નામે એક વેબસાઈટ પણ બનાવી છે. જેમાં એક ક્લિકની મદદથી જ કાશીનો ભૂત-ભવિષ્ય તેમજ વર્તમાન જોઈ શકાય છે. 


કાશી પાસ નામની મોબાઈલ એપ દ્વારા સરળ દર્શન, શ્રીકાશી વિશ્વનાથ ધામમાં પૂજા-આરતી ક્રૂઝ, સારનાથ મ્યુઝિયમ-લાઈટ એન્ડ સાઉન્ડ શોની ટૂર, માન મહેલ સહિતના હેરિટેજ સ્થળોની મુલાકાત, ટિકિટ કે ઈલેક્ટ્રિક બસનું બુકિંગ ઘરેથી જ કરી શકાય છે. આવી સ્થિતિમાં હવે પ્રવાસીઓ અલગ ટિકિટ બુક કરાવવાની ઝંઝટમાંથી મુક્ત થશે. હાલ આવી સુવિધાઓના કારણે લોકો તેને કાશી પાસ તરીકે ઓળખે છે [અરંતુ ટૂંક સમયમાં જ તેનું નામ સ્પષ્ટ કરી દેવામાં આવશે.  


સ્માર્ટ સિટી કાશી નામની વેબસાઈટમાં કાશીની સંસ્કૃતિ, બજારો, શોપિંગ મોલ, ઐતિહાસિક ઈમારતોના ફોટોઝ અને ગૂગલ મેપ પણ અપલોડ કરવામાં આવશે. આ સિવાય વારાણસીમાં હોટલ, લોજ, ધર્મશાળાઓની યાદી સાથે ફોન નંબર, રૂમની સંખ્યા, ભાડું, સ્થાન અને અન્ય માહિતી મળશે. ભારત અને વિદેશથી કાશી આવવા માટે હવાઈ, માર્ગ, રેલવે અને જળમાર્ગોની વિગતો પણ અપલોડ કરવામાં આવશે.