દાહોદમાં પ્રેમસંબંધનો કરુણ અંજામ: ભાણેજે મામીની હત્યા કરી

June 09, 2025

ગુજરાતમાં મારામારી, લૂંટ અને હત્યા સહિતના ગુનાહિત બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે દાહોદમાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. ગત 5 જૂનના રોજ દાહોદ હાઈવે પર જૂની સેલટેક્ષ નજીક એક અવાવરુ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલાસો થયો કે મહિલાનો હત્યારો બીજો કોઈ નહીં, પરંતુ તેનો જ ભાણેજ હતો.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ઇન્દોર-દાહોદ હાઈવેની બાજુમાં આવેલી જૂની સેલટેક્ષની અવાવરુ ઓરડીમાંથી 5 જૂને એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક મહિલાનું નામ વર્ષાબહેન ઉર્ફે લીલાબહેન હોવાનું સામે આવ્યું, જેઓ મૂળ પંચમહાલના મોરવા ગામના વતની હતા. તેમના લગ્ન ઝાલોદના ગામડી ગામે થયા હતા અને હાલ તેઓ પરિવાર સાથે મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે રહેતા હતા.

આ મામલે પોલીસે મધ્યપ્રદેશથી લઈને દાહોદ સુધીના 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં મહિલા એક પુરુષ સાથે બાઈક પર જોવા મળી હતી. પોલીસે બાઈકના માલિકને પકડતાં તેણે આ બાઈક દાહોદના ખરોડ ગામના પ્રવિણ જુવાનસિંગ પામાણીને વેચી હોવાનું જણાવ્યું.પોલીસે પ્રવિણની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા.

પ્રવિણ અને તેની મામી વર્ષાબહેન ઉર્ફે લીલાબહેન વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. પરંતુ, ભાણેજ પ્રવિણ હદ વટાવીને મામીની દીકરી સાથે પણ પ્રેમભરી વાતો કરતો હતો. આ વાતની જાણ મામીને થતાં તેમણે પ્રવિણને દીકરીને છોડી દેવાની વાત કરી. જો તે આમ નહીં કરે તો પોતાના પ્રેમસંબંધની વાત બધાને કહી દેવાની અને પોલીસમાં પૂરાવી દેવાની મામીએ ધમકી આપી હતી. આ ધમકીની દાઝ રાખીને ભાણેજ પ્રવિણે મામીની હત્યાનો ઘાતકી પ્લાન બનાવ્યો.