અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડી, અનેક ટ્રેનોની અવર-જવરને અસર

March 24, 2025

હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.

બીજી બાજુ મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી.  જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.