પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય જ છે : વિદેશ સચિવ

May 19, 2025

દિલ્હી : સંસદના એનેક્સી ભવનમાં આજે વિદેશ મામલાની સ્થાઈ સંસદીય સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિના સાંસદોએ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામ તથા ટ્રમ્પની મધ્યસ્થીના દાવા અંગે સવાલ ઉઠાવ્યા. સૂત્રો અનુસાર જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે સંઘર્ષ વિરામમાં ત્રીજા કોઈની મધ્યસ્થી નથી. આ નિર્ણય દ્વિપક્ષીય સ્તર પર લેવાયો હતો. 
વિક્રમ મિસરીએ ઓપરેશન સિંદૂર તથા તે બાદના સમગ્ર ઘટનાક્રમ વિશે સમિતિને જાણકારી આપી. પહલગામ હુમલા બાદ ભારતે કઈ રીતે પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા તેની પણ જાણકારી આપવામાં આવી. જાણકારી અનુસાર સંસદીય સમિતિએ વિક્રમ મિસરીને સીઝફાયર તથા તેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ભૂમિકા અંગે કેટલાક સવાલો કરાયા હતા. 


નોંધનીય છે કે જે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત થઈ ત્યારે પણ ટ્રમ્પે સીઝફાયરમાં મધ્યસ્થીનો દાવો કર્યો હતો.  ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું નહોતું. થોડા દિવસ બાદ વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું હતું, કે 'મારી સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં મદદ કરી. મેં બંને દેશોને કહ્યું કે જો તમે રોકાશો નહીં તો અમેરિકા તમારી સાથે કોઈ વેપાર નહીં કરે. જે બાદ બંને દેશો રોકાયા. મારી સરકારે પરમાણુ યુદ્ધ થતાં અટકાવ્યું, મને લાગે છે કે ખતરનાક પરમાણુ યુદ્ધ થયું હોત જેમાં લાખો લોકો માર્યા ગયા હોત. મને ગર્વ છે કે સીઝફાયરમાં મદદ કરી. ઉપપ્રમુખ જે ડી વેન્સ અને વિદેશ મંત્રી રૂબિયોનો આભાર.' ટ્રમ્પે વધુમાં કહ્યું હતું, કે સ્થિતિ અત્યંત ગંભીર હતી. બંને દેશોની નેતૃત્વ ક્ષમતા અને સમજદારીના કારણે પરિસ્થિતિ સારી થઈ.