ફૂટબૉલ વર્લ્ડકપમાં પ્રથમ મોટો અપસેટ : આર્જેન્ટિના પ્રથમ મૅચમાં હાર્યુ, 36 મૅચનો વિજયરથ અટક્યો

November 22, 2022

નવી દિલ્હી : ફિફા વર્લ્ડકપમાં 2022નો પ્રથમ મોટો અપસેટ સર્જાયો છે. મંગળવારે લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીની મેચમાં સાઉદી અરેબિયાએ અર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું છે. આમ સાઉદી અરેબીયાએ અર્જેન્ટીનાનો 36 મેચનો વિજયરથ અટકાવ્યો હતો. આર્જેન્ટિના છેલ્લા ૩૬ મેચમાં ક્યારેય હારી ન હતી . આજે તેના વિજયની હારમાળા અટકી ગઈ હતી. ફુટબોલ જગતના ઈતિહાસમાં સાઉદી અરેબિયાએ અર્જેન્ટીના સામે પ્રથમ મેચ જીતી છે. અગાઉ બંને દેશો વચ્ચે કુલ ચાર મેચો રમાઈ હતી, જેમાં અર્જેન્ટીના બે મેચ જીતી હતી અને અન્ય બે મેચો ડ્રો થઈ હતી.

આ મેચમાં 10મી મીનિટે જ પ્રથમ ગોલ થઈ ગયો હતો. આ ગોલ કેપ્ટન લીઓનેલ મેસ્સીએ પેનલ્ટી દ્વારા કર્યો હતો. સાઉદી અરેબિયાના ખેલાડી અબ્દુલ્લાહમિદે અર્જેન્ટીનાના ખેલાડીને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તે સાઉદી અરેબિયાના બોક્સમાં જઈને પડ્યો. ત્યારબાદ રેફરીએ VAR ચેક દ્વારા અર્જેન્ટીનાને પેનલ્ટી આપી અને મેસ્સીએ આ પેનલ્ટીનો લાભ ઉઠાવી ગોલ કરવામાં સફળ થયો.

પ્રથમ હાફમાં અર્જેન્ટીએ પણ ગોલ કરવાના ભરપૂર પ્રયાસ કર્યા, જોકે તે સત્તાવાર રીતે સફળ થયું નહીં. ત્યારબાદ લોટારો માર્ટિનેજે પણ એક ગોલ કર્યો હતો, જોકે તેને રદ કરવામાં આવ્યો, કારણ કે VARએ આ ગોલને ઓફસાઈડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પ્રથમ હાફમાં મેસ્સીનો ગોલ પણ ઓફસાઈડ જાહેર કરાયો હતો.