ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની તોફાની બેટિંગ વચ્ચે લખનઉનો આ ફેન વાયરલ

April 24, 2024

મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈ અને ધોનીના ફેન્સ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. જો કે આ મેચમાં લખનઉએ ચેન્નઈને છ વિકેટથી પરાજય આપ્યો હતો. મેચ દરમિયાન લખનઉનો એક ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ચેન્નઈમાં રમાયેલી મેચ દરમિયાન જ્યાં એક તરફ સીએસકેના હજારો પ્રશંસકો પીળી ટીસર્ટ પહેરીને ચેન્નઈ સુપર કિંગ્સને સપોર્ટ કરવા પહોંચ્યા હતા, તો બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સના ફેન્સ મોટી આશા સાથે પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે મેચની પ્રથમ ઈનિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો ત્યારે લખનઉના ફેન્સ એકદમ નિરાશ દેખાતા હતા. બીજી ઈનિંગ દરમિયાન પણ શરૂઆતની કેટલીક ઓવરો માટે આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સે જેમ જેમ મેચ પર પોતાની પકડ મજબૂત કરી, ચાહકોની પ્રતિક્રિયા પણ બદલાવા લાગી હતી અને જવી એલએસજીની ટીમે મેચ જીતી કે કેમેરામેને સીધુ લખનઉના એ ફેન્સ તરફ ફોક્સ કર્યું હતું. પછી શું સોશિયલ મીડિયા (Social Media) પર લખનઉની ટીમ કરતા એ ફેન્સનું રિએક્શન વાયરલ થવા લાગ્યું હતું.  આ મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે (K L Rahul) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પહેલી બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે સદી ફટકારી હતી. જ્યારે લખનઉની ટીમ આ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે તેણે માત્ર 88 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ માર્કસ સ્ટોઇનિશે (Marcus Stoinis) હાર ન માની અને છેલ્લી ઓવરમાં પોતાની ટીમને જીત અપાવી હતી. સ્ટોઇનિશે 63 બોલમાં 124 રનની તોફાની ઇનિંગ રમી હતી.