મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સફળતા, પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં મેળવ્યું સ્થાન

April 22, 2024

ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં સ્થાન મેળવી લીધું છે. ફોગાટે કિર્ગિસ્ટાનની રાજધાની બિશ્કેકમાં રમાઈ રહેલી એશિયાઈ ઓલમ્પિક ક્વોલિફાયરની સમિફાઈનલમાં કજાકિસ્તાનની લૌરા ગનિક્યજીને હરાવી આ ઉપલબ્ધી મેળવી છે. વિનેશે 50 કિલો કેટેગરીની સેમીફાઈનલમાં લૌરાને 10-0થી હરાવી છે. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર પહેલવાનોને પેરિસ ઓલમ્પિક 2024માં સ્થાન મળશે. વિનેશ ફોગાટે તેની શરૂઆતની મેચમાં એક મિનિટ 39 સેકન્ડમાં કોરિયાઈ સ્પર્ધક મિરાન ચિયોનને હરાવી હતી. ત્યારબાદની મેચમાં ફોગાટે કંમ્બોડિયાની એસમાનાંગ ડિટને માત્ર 67 સેકન્ડમાં હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. હવે તેણે સેમિફાઈનલમાં જીત મેળવી મોટી સફળતા હાંસલ કરી છે.
બીજીતરફ અંશુ મલિકે પણ મહિલાઓની 50 કિલો કેટેગરીમાં ભારત માટે ક્વોટા હાંસલ કર્યું છે. અંશુએ એશિયાઈ ઓલમ્પિક ક્વોલિફાયરની સેમિફાઈનલમાં ઉજબેકિસ્તાનની રેસલરને 10-0થી પરાજય આપ્યો છે. જોકે માનસી 62 કિલો કેટેગરીમાં સેમિફાઈનલમાં હારી જતા તે ક્વોટા મેળવી શકી નથી.