મણિપુરમાં રજામાં ઘરે આવેલા સૈનિકની હત્યા; ત્રણ સશસ્ત્ર લોકોએ અપહરણ કર્યું હતું

September 18, 2023

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં પૂર્વ તરફના જિલ્લાના ખુનિંગથેક ગામમાં રવિવાર 17 સપ્ટેમ્બરે સેનાના એક જવાનનો મૃતદેહ મળ્યો છે. પોલીસ અધિકારીઓ અનુસાર હથિયારબંધ ત્રણ બદમાશોએ શનિવારે સવારે લગભગ 10 વાગ્યે રજા પર આવેલા તે સૈનિકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેના માથામાં ગોળી મારી હત્યા કરી નાખી હતી. મૃતક જવાનની ઓળખ સેર્ટો થાંગથાંગ કોમ તરીકેની થઈ છે.

તે ઇમ્ફાલ પશ્ચિમના તરંગના રહેવાસી હતા. તેમનું પોસ્ટિંગ મણિપુરમાં જ કાંગપોકપી જિલ્લાના લીમાખોંગમાં સેનાની ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ પ્લાટૂનમાં સિપાહી તરીકેનું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અપહરણની ઘટના દરમિયાન જવાનનો દશ વર્ષનો પુત્ર ત્યાં હાજર હતો. તેણે જણાવ્યું કે જ્યારે તે અને તેના પિતા વરંડામાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્રણ લોકો ઘરમાં દાખલ થયા હતા. હથિયારબંધ લોકોએ જવાનના માથા પર પિસ્તોલ તાકી હતી અને તેને જબરજસ્તી એક સફેદ ગાડીમાં નાખીને લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે રવિવારે સવાર સુધી જવાનના કશા સમાચાર નહોતા.