'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું

October 06, 2025

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'શક્તિ' અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી, જે મુજબ વાવાઝોડું આજે (6 ઓક્ટોબર) યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાત તરફ આવ્યા બાદ તે ધીમું પડી જશે અને તેની અસર નહિવત્ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે નબળું પડી ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન તે લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને નબળું પડીને 'સાયક્લોનિક સ્ટોર્મ'માં પરિવર્તિત થયું છે. આજે  (6 ઓક્ટોબર) સવારે 0530 કલાકે આ ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત હતું.