9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33 લાખ કરોડ ડૂબ્યા

March 04, 2025

શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. માર્ચ મહિનાના ચોથા દિવસે પણ શેરબજાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યુ છે. શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલો ભૂ-રાજકીય તણાવ છે.

નિષ્ણાતોના મતે, માર્ચ મહિનામાં પણ શેરબજારમાં ઘટાડો રહી શકે છે. એ અલગ વાત છે કે આ ઘટાડો ફેબ્રુઆરી જેટલો મોટો નહીં હોય. જો આવું થાય, તો તે છઠ્ઠો મહિનો હશે જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ રંગમાં બંધ થશે. ચાલો તમને એ પણ જણાવીએ કે સેન્સેક્સ અને નિફ્ટી કયા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

માર્ચ મહિનામાં સતત બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ સવારે 10 વાગ્યે 190 પોઈન્ટ ઘટીને 72,897.70 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, શેરબજાર ખુલ્યાના માત્ર ત્રણ મિનિટમાં જ તે 452.4 પોઈન્ટ ઘટીને 72,633.54 પોઈન્ટ પર આવી ગયો.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 50 પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. સવારે 10 વાગ્યે, નિફ્ટી 64.75 પોઈન્ટ ઘટીને 22,054.55 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી પણ 21,964.60 પોઈન્ટ પર જોવા મળ્યો. સોમવારે પણ શેરબજારમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.