પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં 3 દિવસ રાષ્ટ્રીય શોક પળાશે

April 22, 2025

વેટિકનના 'રાજા' અને વિશ્વના મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું. ભારતે તેમના માનમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, 'સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવાર, 21 એપ્રિલ 2025 ના રોજ અવસાન થયું. તેમના માનમાં ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. 22 અને 23 એપ્રિલે દેશભરમાં શોકનો દિવસ રહેશે, અને ત્યારબાદ પોપના અંતિમ સંસ્કારના દિવસે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય શોકનો પ્રથમ તબક્કો બે દિવસનો રહેશે, જે મંગળવાર, 22 એપ્રિલ અને બુધવાર, 23 એપ્રિલના રોજ અમલમાં રહેશે. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે શોકનો ત્રીજો દિવસ પળાશે. આ સમયગાળા દરમિયાન, ભારતભરમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.