PM મોદી સહિત આ દિગ્ગજો આજે ગુજરાતમાં સભા ગજવશે

November 23, 2022

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાનથી માંડીને રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજીને પક્ષની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે અને ભાજપ કોઈપણ ભોગે તેનો ગઢ ગુમાવવા નથી માંગતી. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. AAPના મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખીને પાર્ટી માટે દિવસ-રાત પ્રચાર કરી રહ્યા છે. જોકે ભાજપનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી ક્યાંયથી લડાઈમાં નથી. તેની સ્પર્ધા માત્ર કોંગ્રેસ સાથે છે.