ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, અજાણ્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું

June 09, 2025

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના આ સોમવારે અમદાવાદમાંથી પણ સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી.  મળતી માહિતી મુજબ, હાઇકોર્ટના ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈમેલ મળતાં જ હાઇકોર્ટ વહીવટી તંત્રએ અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને ઈમેલના મોકલનાર સૂધી પહોંચવા માટે તપાસ શરુ કરવામાં આવી છે. અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.