પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન

April 23, 2025

જમ્મુ  : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આજે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા)  સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું છે, તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી છે. જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.  

જ્યારે આતંકવાદી હુમલા બાદ કાળિયાબીડના પિતા-પુત્રનું મોત થતાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ હુમલામાં ભાવનગરના પર્યટકો પણ ઘાયલ થયાની જાણ થતાં ભાવનગર જિલ્લા કલેક્ટર-પોલીસ તંત્રે તુરંત હરકતમાં આવી ઈજાગ્રસ્ત અને ગુમસુદાના પરિવારજનો તેમજ જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. 

જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-104માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.62)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બીજી તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું 20 લોકોનું ગ્રુપ ગત 16મી એપ્રિલના રોજ 15 દિવસના પ્રવાસે જવા નીકળ્યું હતું. 

PDP ચીફ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, 'ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (23 એપ્રિલ) સંપૂર્ણપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નક્કી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.'