તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી

July 06, 2025

દિલ્હી : દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહેલો સીરિયલ કિલર સોહરાબ ફરાર થઈ ગયો છે. સોહરાબ ત્રણ દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ જેલ પાછો ફર્યો નહીં. લખનઉ પોલીસ સાથે મળીને જેલ પ્રશાસન સોહરાબને શોધી રહ્યું છે.
સોહરાબ ખૂંખાર સીરિયલ કિલર છે. તેણે ઘણી હત્યાઓ કરી છે. સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન સોહરાબએ લખનઉના સઆદતગંજમાં પૂર્વ સાંસદ શફીકુર રહેમાન બર્કના પૌત્રની હત્યા કરાવી હતી. આ ઉપરાંત સોહરાબ એક પૂર્વ કાઉન્સિલરની હત્યાના કાવતરામાં પણ સામેલ રહ્યો છે. સોહરાબ લખનઉના અમીનાબાદમાં શૂટરને ભાડે રાખીને ભાજપના કાઉન્સિલર પપ્પુ પાંડેની હત્યા કરાવી હતી.


વર્ષ 2005માં સોહરાબના નાના ભાઈ શહજાદેની લખનઉના હુસૈનગંજમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદથી સોહરાબ અને તેના બે ભાઈઓએ હત્યારાઓને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. તેમના ભાઈની હત્યાના એક વર્ષ પછી ઈદના દિવસે ત્રણ ભાઈઓ, સોહરાબ, સલીમ અને રૂસ્તમે તેમના ભાઈના હત્યારાઓને મારી નાખ્યા. હત્યા કરતા પહેલા, સોહરાબ, લખનઉના તત્કાલીન એસએસપીને ફોન કરીને કહ્યું કે, 'મારા ભાઈની હત્યાનો બદલો લેવા જઈ રહ્યો છું.'