'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાના લોકોને પહેલું સંબોધન

November 06, 2024

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદન જાહેર કરતાં તમામ અમેરિકન્સનો આભાર માન્યો હતો અને કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન્સનો વિજય છે.

આપણે બધાએ સાથે મળીને આ સાકાર કરી બતાવ્યું છે. આપણે ફરી એકવાર અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવીશું. આપણે સાથે મળીને દેશની દરેક સમસ્યા દૂર કરીશું. હું ઉપરાષ્ટ્રપતિને પણ શુભેચ્છા પાઠવું છું. આપણે દેશની બોર્ડરને મજબૂત કરીશું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે ગોલ્ડન સાબિત થવાના છે.

ફ્લોરિડા ખાતે સંબોધન કરતા ટ્રમ્પે પોતાની જીત માટે મહેનત કરનાર તમામ લોકો, પરિવાર, સેનેટર્સ અને અમેરિકાની જનતાનો આભાર માન્યો. ટ્રમ્પે તેમના ભાષણમાં છ મિનીટ સુધી ઈલોન મસ્કના પણ વખાણ કરતા કહ્યું કે તેમણે જોરદાર કેમ્પેઈન કર્યું. ઇલોનના સ્પેસ પ્રોજેક્ટ સ્ટાર લિંક અને રોકેટના ઓટોમેટિક લેન્ડિંગની પણ વાત કરી. ટ્રમ્પે કહ્યું 'ઈલોન સુપર જીનિયસ છે, આપણે આવા સુપર જીનિયસને સાચવવા જ જોઈએ'.