જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર મરાયા

July 30, 2025

જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોએ એલઓસી પાસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ દરમિયાન થયેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આજે સવારે સુરક્ષા દળોને જંગલમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રીજા આતંકવાદીની શોધ જંગલમાં ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે  જમ્મુ અને કાશ્મીરમાં ૩ દિવસમાં આ બીજું એન્કાઉન્ટર છે, જેમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 28 જુલાઈના રોજ શ્રીનગરમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. શ્રીનગરના દાચીગામ નેશનલ પાર્ક નજીક હરવાન વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ત્રણેય આતંકવાદીઓ પહેલગામના હુમલાખોર હોવાનું કહેવાય છે. તેમના નામ હાશિમ મુસા, જિબ્રાન અને હમઝા અફઘાની હતા. માર્યા ગયેલા આતંકવાદી જિબ્રાન પર વર્ષ 2024 માં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પર થયેલા આતંકવાદી હુમલાનો પણ આરોપ હતો. જે જગ્યાએ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળ્યા હતા, ત્યાંથી યુએસ-નિર્મિત M4 કાર્બાઇન, AK-47, ૧૭ રાઈફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા.