ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે, અમારે તેમની સાથે વેપાર જ નથી કરવોઃ ટ્રમ્પ

July 31, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે તેમણે રશિયા અને ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ સંકેત આપ્યા છે કે, કે અમેરિકા હવે આ બંને દેશ સાથે વધુ વેપાર કરવા માંગતું નથી. નોંધનીય છે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું,'મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. મને ફક્ત એ જ ફરક પડે છે કે તે મળીને પોતાના મૃત અર્થતંત્રને કેવી રીતે નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી. ચાલો તેને આ રીતે જ રાખીએ.'

રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ પર પ્રહાર કતરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ પોતાને પ્રમુખ માને છે. તેણે પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે,રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X પર લખ્યું હતું કે, 'અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમ ગેમ રમી રહ્યા છે અને આવા દ્રષ્ટિકોણ અમેરિકાને રશિયા સાથે યુદ્ધ તરફ દોરી શકે છે.

અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ ઝીંક્યો છે. 30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'