યુ.કે.માં ઉડ્ડયન શીખવવા માટેનું હેલિકોપ્ટર તૂટી પડતાં 3ના મૃત્યુ : 1ને ગંભીર ઇજાઓ : તપાસ ચાલી રહી છે

August 27, 2025

લંડન : ઈંગ્લેન્ડનાં 'આઈલ-ઓફ-લેઇટ' નામના ટાપુનાં એક ખેતરમાં હેલિકોપ્ટર તૂટી પડતાં લોકોમાં ગભરાટ અને દુ:ખ ફેલાઈ ગયા હતાં. નોર્ધમ્બરિયા-હેલિકોપ્ટર્સ કંપનીનું રોબિન્સન R.44 II  પ્રકારનું આ હેલિકોપ્ટર ઉડ્ડયન શીખવાડવા માટે ઉપયોગમાં લેવાતું હતું. તે સેન્ડાઉન એરપોર્ટ ઉપરથી સ્થાનિક સમય પ્રમાણે સવારે ૯-૦૦ વાગે ઉપડયું હતું. તેમાં પાયલોટ ઉપરાંત ૩ પેસેન્જર્સ હતા, પરંતુ ૯-૩૦ કલાક પહેલાં 'શાનકિલન' વિસ્તારમાં ધોરી માર્ગ પાસેનાં એક ખેતરમાં તે તૂટી પડયું હતું. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તુર્ત જ સાઉધનટનનાં ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. તે સમયે એક વ્યક્તિ તેની મોટરમાં જઈ રહી હતી તેણે જોયું કે હેલિકોપ્ટર એક ખેતરની વાડ ઉપર પડયું. આ અંગે શેંકિલ-ટાઉન-કાઉસીલના એક વરિષ્ઠ કાઉન્સીલરે કહ્યું કે, અચાનક જ બનેલી આ દુર્ઘટનાથી શહેરમાં રહેલા નાગરિકો આંચકો ખાઈ ગયા હતા. અને સહજ રીતે વ્યથિત પણ થઈ ગયા હતા. હેલિકોપ્ટર ઉડાડતાં શીખનારાઓમાં કુટુમ્બીજનોનો આનંદ અચાનક શોકમાં ફેરવાઈ ગયો.