બોલિવુડ સિંગર રાહુલ ફાઝલપુરિયાની હત્યાની કોશિશ નાકામ, ગુરુગ્રામમાં 5 શૂટર્સનું એન્કાઉન્ટર

August 27, 2025

બોલિવૂડ સિંગર રાહુલ ફાઝિલપુરિયાના ફાઇનાન્સર રોહિત શૌકીનની હત્યા બાદ તેમની હત્યાનુ ષડયંત્ર રચી રહેલા ગેંગસ્ટર સામે ગુરુગ્રામ પોલીસ અને હરિયાણા એસટીએફ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુગ્રામમાં પોલીસ વચ્ચે અથડામણ બાદ ગેંગસ્ટર દીપક નાંદલ અને રોહિત સિરધાનિયાના પાંચ શાર્પ શૂટર્સને ઝડપી પાડવામાં આવ્યા છે. રાહુલ ફાઝિલપુરિયાની હત્યાનુ ષડયંત્ર નાકામ થઇ ગયુ છે. પોલીસ તપાસ ચાલી રહી છે. 

સૂચના મળી હતી કે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર દીપક નાંદલ અને રોહિત સિરધાનિયાએ રોહિત શૌકીનની હત્યા બાદ હવે રાહુલની હત્યાનું ષડયંત્ર બનાવ્યુ છે. આ સૂચના મળતા જ કાર્યવાહીના ભાગરૂપે એસટીએફ અને ગુરુગ્રામ પોલીસની અડધો ડઝન ક્રાઇમ યુનિટને પટૌડી રોડના વજીરપુર વિસ્તારમાં ટ્રેપમાં ગોઠવી દીધા. જેવી નંબર પ્લેટ વિનાની કારને રોકવાની કોશિશ કરી તો તેમાં સવાર હથિયારધારી શખ્સોએ પોલીસ પર ફાયરિંગ કર્યુ. જેની જવાબી કાર્યવાહીમાં 4 શખ્સોને પગમાં ગોળી વાગી.

STF ગુરુગ્રામના DSP પ્રીતપાલ સિંહે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા શૂટરોની ઓળખ ઝજ્જરના વિનોદ પહેલવાન, સોનીપતના પદમ ઉર્ફે રાજા, શુભમ ઉર્ફે કાલા, ગૌતમ ઉર્ફે ગોગી અને આશિષ ઉર્ફે આશુ તરીકે થઈ છે. આ બધા વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર રોહિત સિરધાનિયા અને દીપક નંદલ માટે કામ કરે છે. ઘાયલ ચારેય બદમાશોને ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પોલીસે તેમના કબજામાંથી હથિયારો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.