અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું

August 27, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં જ મોંઘવારી વધવાની ભીતિ છે. ટ્રમ્પના આ વલણના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા 0.4-0.5 ટકા સુધી ઘટી શકે છે. એસબીઆઇ રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાની ટેરિફ નીતિ તેને જ ભારે પડી શકે છે. જ્યાં મોંઘવારી વધશે તેમજ વેપાર ખાધમાં પણ વધારો થશે. એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં મોંઘવારીનો દર 2026 દરમિયાન 2 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે. જેની પાછળનું કારણ ટેરિફ છે. ટેરિફના લીધે પુરવઠામાં વિક્ષેપ આવી શકે છે. તેમજ એક્સચેન્જ રેટમાં પણ વધઘટ થશે. પરિણામે અમેરિકામાં મોંઘવારી પર નવું પ્રેશર સર્જાશે. હાલમાં જ લાગુ ટેરિફ અને નબળા ડૉલરના કારણે ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા આયાત સંવેદનશીલ ક્ષેત્રો પર માઠી અસર વધી છે.  વધુમાં રિપોર્ટમાં નોંધ લેવામાં આવી છે કે, ભારતીય ચીજવસ્તુઓ પર 50 ટકા સુધીનો ટેરિફ લાગુ કરવાનો અમેરિકાનો નિર્ણય તેની અર્થવ્યવસ્થાના વિકાસમાં નડતરરૂપ બનશે. મોંઘવારી વધશે, વિકાસ મંદ પડશે. અમેરિકા મોટાપાયે ભારતીય ટેક્સટાઇલ, ચામડું, જ્વેલરી પર નિર્ભર છે. જેના પર ટેરિફના કારણે અમેરિકાનો જીડીપી 40-50 બેઝિસ પોઇન્ટ સુધી ઘટશે. ઉત્પાદન ખર્ચ પણ વધશે. અમેરિકાના જેક્સન હોલમાં ફેડના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે, વધતી કિંમતો અને રોજગારની નબળી સ્થિતિ વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કિંમતો પર ઊંચા ટેરિફની સ્પષ્ટ અસર જોવા મળી છે. જુલાઈમાં અમેરિકાનો જથ્થાબંધ ફુગાવો 1 ટકા વધ્યો હતો. જે ત્રણ વર્ષમાં સૌથી વધુ હતો. ટેરિફના કારણે તેમાં વૃદ્ધિ આવી હતી. વાર્ષિક ધોરણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ 3.3 ટકા વધ્યો છે. સેવાઓ, ઉપયોગી વસ્તુઓ, ફર્નિચર અને કપડાં પર ટેરિફ લાગુ કરતાં આયાત ખર્ચ વધ્યો છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી ટેરિફ પાછો નહીં ખેંચાય, ત્યાં સુધી અમેરિકાના માથાદીઠ ખર્ચમાં વધારો થઈ શકે છે. અમેરિકન્સનું બજેટ ખોરવાઈ શકે છે.