ટ્રમ્પે પોસ્ટલ એજન્સી પર ટેરિફ લાદતાં 25 દેશોએ લીધો મોટો નિર્ણય, અમેરિકા મોકલાતી પાર્સલ સેવા અટકાવી

August 27, 2025

વિશ્વભરમાંથી અમેરિકામાં મોકલવામાં આવતી પાર્સલ સેવાઓ થંભી ગઈ છે. જેની પાછળનું કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ ભય છે. ટ્રમ્પના ટેરિફ વોરના કારણે લગભગ 25 દેશોએ અમેરિકામાં થતી પાર્સલ ડિલિવરી અટકાવી દીધી છે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયને આ અંગે માહિતી આપી છે. યુનાઇટેડ નેશન્સ એજન્સીની યુનિવર્સલ પોસ્ટલ યુનિયને માહિતી આપી હતી કે, વિવિધ દેશોએ પ્રમુખ ટ્રમ્પના નવા ટેરિફ નિયમોના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાઓના કારણે ડિલિવરી અટકાવી દીધી છે. 25 દેશોના પોસ્ટલ ઓપરેટર્સે યુપીયુને સલાહ આપી હતી કે, તેઓએ ટ્રાન્ઝિસ્ટ સર્વિસ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે અમેરિકા મોકલાતી પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરી છે. એશિયા અને યુરોપના પોસ્ટલ ઓપરેટર્સે આ નિર્ણય લીધો છે. વધુમાં ઓસ્ટ્રેલિયાની સરકારી પોસ્ટલ સર્વિસે પણ જાહેરાત કરી હતી કે, લાંબા ગાળાથી લાગુ કસ્ટમ નિયમોમાં ફેરફાર થતાં અમેરિકામાં પાર્સલ ડિલિવરી કામચલાઉ ધોરણે બંધ કરી છે. ટ્રમ્પે કસ્ટમ નિયમોમાં ફેરફાર કરતાં આદેશ  આપ્યો હતો કે, અમેરિકામાં ઓછી કિંમતના પેકેજીસ પર ડ્યુટી લાદશે. 29 ઑગસ્ટથી અમેરિકા 800 ડૉલર કે તેથી ઓછી કિંમતના ગુડ્સ પર ડ્યુટી લાગુ કરશે. જે પહેલા ડ્યુટી ફ્રી હતા. નવા નિયમોના કારણે પોસ્ટલ સિસ્ટમ મારફત મોકલાતાં આવા પાર્સલ પર બેમાંથી એક ટેરિફ લાગુ કરશેઃ કાં તો પેકેજના મૂળ દેશના અસરકારક ટેરિફ રેટની સમાન ડ્યુટી અથવા છ માસ માટે ટેરિફ પર આધારિત 80થી 200 ડૉલરનો ચાર્જ. 26 ઑગસ્ટ બાદ અમેરિકા મોકલવામાં આવેલા પાર્સલ  આગામી નોટિસ ન આવે ત્યાં સુધી સ્વીકારવામાં આવશે નહીં. જેમાં 100 ડૉલરથી નીચેની કિંમતના લેટર્સ, ડૉક્યુમેન્ટ, અને ગિફ્ટને બાકાત રાખવામાં આવ્યા છે.