કાજીકી વાવાઝોડાએ વિયેતનામના ઉત્તર અને મધ્ય ભાગોમાં ભારે વિનાશ વેર્યો

August 27, 2025

વિયેતનામમાં આવેલા ભયંકર વાવાઝોડા કાજીકીએ દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. ભારે પવન અને મૂશળધાર વરસાદે ઘણા ઘરો તોડી નાખ્યા અને ઘણા વૃક્ષો ઉખેડી નાખ્યા છે. વિયેતનામની રાજધાની હનોઈના રસ્તાઓની હાલત કફોડી બની છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યુ છે.

વાવાઝોડા દરમિયાન ભારે વરસાદથી લોકોનું જન જીવન ખોરવાયું છે. અત્યાર સુધીમાં વાવાઝોડા દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વાવઝોડું લાઓસ તરફ આગળ વધ્યું છે અને નબળું પડી ગયું છે અને ઉષ્ણકટિબંધીય ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જોકે, હનોઈમાં વરસાદ હજુ પણ યથાવત્ છે. 

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ, વાવાઝોડાએ લગભગ 7000 ઘરોને નુકસાન પહોંચાડ્યું અને લગભગ 28800 હેક્ટર ડાંગરના પાકને ડૂબાડ્યો છે. વાવાઝોડા દરમિયાન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને 18,000થી વધુ વૃક્ષો ધરાશાયી કર્યા અને 331 વીજળીના થાંભલાઓ તૂટી પડ્યા હતા. જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.