ઈન્ડિયા-કુવૈત વચ્ચે 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાતચીતમાં ઉર્જાથી લઈને સંરક્ષણ સંબંધિત થઈ ચર્ચા

August 27, 2025

ભારત મધ્ય પૂર્વના દેશો સાથે પોતાના સંબંધો અને ભાગીદારીમાં સતત સુધારો કરી રહ્યું છે. ભારત અને કુવૈતે મંગળવારે પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી 7મી વિદેશ મંત્રાલય સ્તરની વાટાઘાટોમાં, બંને દેશોએ રાજકીય, આર્થિક અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે.

બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ડિસેમ્બર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાત દરમિયાન નક્કી કરાયેલા રોડમેપનો ઝડપથી અમલ કરવામાં આવશે. આ માટે સંયુક્ત કમિશન (JCC) હેઠળ રચાયેલા કાર્યકારી જૂથોની બેઠકો ટૂંક સમયમાં બોલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત અને કુવૈત વચ્ચેનો વાર્ષિક વેપાર હાલમાં 10.2 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. ઉર્જા સહયોગને મજબૂત બનાવવાની સાથે, રોકાણ અને ટેકનોલોજીના નવા રસ્તા શોધવા પર પણ ચર્ચા કરવામાં આવી. જો બધું બરાબર રહેશે, તો બંને દેશો વચ્ચેનો વેપાર વધુ આગળ વધી શકે છે.