શાળા પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત

August 27, 2025

પંજાબ સરકારે ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરી હોવા છતાં, દીનાનગરના ગામ દબૂરીમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની બેદરકારીને કારણે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. જોકે પ્રિન્સિપાલનું કહેવું છે કે બધા સુરક્ષિત છે.  બાળકોને બચાવવા માટે ટીમોએ કામ શરુ કરી દીધું છે. ડીસીએ જણાવ્યું કે, રહેણાંક વિસ્તારમાં આવેલી શાળામાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો ફસાયેલા છે, જેમાં લગભગ 400 બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે NDRF સહિત પ્રશાસનની અન્ય ટીમો મોકલવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે ભારે વરસાદને કારણે રાજ્યની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આ આદેશ છતાં, દબૂરીની નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને બોલાવાયા અને શાળા પ્રશાસને તેમને બહાર જવા દીધા નહીં. સતત વરસાદને લીધે શાળાની આસપાસ પાણી ભરાયું, જેના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અંદર ફસાયા. સ્થાનિક ગ્રામીણોએ જણાવ્યું કે શાળાની આસપાસના રસ્તાઓ અને ગલીઓમાં પણ પાણી ભરાયેલું છે, જેનાથી રાહત અને બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. કેટલાક વાલીઓ સ્થળ પર પહોંચ્યા, પરંતુ પાણીની સ્થિતિને કારણે તેઓ પણ પોતાના બાળકો સુધી પહોંચી શક્યા નહીં.