મનાલીથી ડોડા અને કટરા સુધી, લેન્ડસ્લાઇડથી કુદરતનો કહેર

August 27, 2025

કુદરત જ્યારે વિફરે ત્યારે કોઇનું ન રાખે આવી સ્થિતિ હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં છે ખાસ તો પહાડી વિસ્તારોમાં જે રીતે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે તે જોતા હાલ તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં હાલત ખરાબ છે જ્યાં જુઓ ત્યાં તબાહી અને આફત દેખાઇ રહી છે. લેન્ડસ્લાઇડ અને પૂરથી જનજીવન ખોરવાઇ ગયુ છે. અત્યાર સુધીમાં 30થી વધુ લોકો મોતને ભેટ્યા છે. સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.

જમ્મુમાં કુદરતના રૌદ્ર રૂપને જોઇને સૌ કોઇ ડરી ગયુ છે. વાદળ ફાટવાથી જીવન સ્થગિત થઇ ગયુ છે. ત્રિકુટા પહાડ પર સ્થિત મંદિરના રસ્તાઓ પર કાટમાળના ઢગલા થઇ ગયા છે. હજુ પણ કાટમાળ નીચે અનેક લોકો ગબાયા હોવાની આશંકા છે. ડોડામાં ગઇ કાલે વાદ ફાટતા કિશ્તવાડના ધરાલી જેવી તબાહી મચી ગઇ હતી. આ પૂરમાં 10 મકાન તણાઇ ગયા છે. અનેક લોકો મોતને ભેટ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. 

ડોડામાં ભગ્રવાહમાં વાદળ ફાટતા ગુપ્ત ગંગા મંદિરને પોતાની આગોશમાં સમાવી લીધુ છે. મંદિરના પૂજારી અને બીજા ભક્તોને સુરક્ષિત જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે. ચેનાબ નદી હાલમાં ખતરા પર વહી રહી છે. ખતરાના સાયરન સતત ગુંજી રહ્યા છે. લોકોને ખુબજ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. પૂર એટલું ભયંકર હતુ કે રસ્તાઓ ધોવાઇ ગયા છે. એક બાજુ પર્વત છે, બીજી બાજુ પૂરનું પાણી છે અને વચ્ચે એક તબાહ થયેલો રસ્તો છે. ડોડાના ખારા ચારવાહમાં ફક્ત વિનાશ જ દેખાય છે.